હિન્દુઓના નૈતિક પ્રભાવન

હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧

કોઈ પણ પ્રજાની મહાનતાનો માપદંડ કયો હોઈ શકે ?

સત્તા ? સંપત્તિ ? શૌર્ય ? સૌંદર્ય ? સુખ-સગવડો ? વૈજ્ઞાનિક સંશોધનો ?

ના.

નૈતિક ઘડતર !

અને શું એક ભારતીય તરીકે કલ્પના કરી શકો છો કે આક્રમણ કર્યા વિના, યુગો સુધી આપણા પૂર્વજોએ જગતનાં હૈયાં પર પોતાનો પ્રભાવ કેવી રીતે જમાવ્યો હતો ?

પોતાની અજોડ નૈતિકતા અને આધ્યાત્મિકતાથી.

સેંકડો વર્ષોની ગુલામીનો કલંકિત અને રક્તરંજિત ઇતિહાસ, આજે ભારતની નવી પેઢીને શિક્ષણના નામે ભણાવાય છે, ગોખાવાય છે, પરીક્ષાઓમાં પુછાય છે, પરંતુ દુર્ભાગ્યે જગત પર હિન્દુઓના નૈતિક પ્રભાવનો ઇતિહાસ સાવ વિસારી દેવાયો છે ! ક્યારેક મનમાં મંથન થાય છે, હિન્દુઓની માનસિકતાને નિર્માલ્ય બનાવતો ગુલામીનો ઇતિહાસ તેમના માથે થોપાય છે, પરંતુ હિન્દુઓના રોમરોમને ગૌરવથી ભરી દેતી અને યુગોથી જગતનાં હૈયાં પર સામ્રાજ્ય ભોગવનારી હિન્દુઓની નૈતિક તાકાતનો પરિચય કેમ ભણાવાતો નથી ? નૈતિકતાનું શિક્ષણ જ સાધારણ મનુષ્યને મહાન બનાવે છે, એ સત્ય આપણા સત્તાધીશો ક્યારે સમજશે ?

નૈતિકતાના શિક્ષણ વિના આજના સમાજનું ચિત્ર કેવું વરવું બન્યું છે !?

જે ધરતી પર હજારો વર્ષો પહેલાં ઈશાવાસ્ય ઉપનિષદ્‌નો ‘મા ગૃધઃ કસ્યસ્વિદ્‌ ધનમ્‌’નો મંત્ર ગુંજ્યો હતો, જે ધરતી પર રંતિદેવ જેવા સમ્રાટો બીજાના સુખને કાજે સુખ-સમૃદ્ધિ-સત્તાનો ત્યાગ કરીને સૂકા રોટલા પર પણ પોતાનો અધિકાર જતો કરતા હતા, જે ભૂમિ પર સત્ય-પ્રામાણિકતાને ખાતર પોતાની જાતને વેચી નાખનારા હરિશ્ચંદ્ર જેવા રાજવીઓ અવતરતા હતા, જે ધરતી પર ‘પરધન પથ્થર જાણીએ, પરસ્ત્રી માત સમાન’ની ચોપાઈઓ ઘરોઘરમાં જિવાતી હતી, એ ધરતી પર આજે કેટલા ટકા નવી પેઢીને નૈતિકતાનો સાચો મતલબ ખબર હશે ?

‘સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતા દેશોમાં અગ્રેસર’નું બિરુદ ભારત પર થોપવામાં આવી રહ્યું છે ત્યારે, લાગે છે કે આપણા નૈતિક ઘડતરના અમૂલ્ય વારસાને પુનઃ યાદ કરવાની કે કરાવવાની વેળા આવી ગઈ છે.

એક સમયે આ દેશની હિન્દુ પ્રજાને જગતના લોકો કેવી દૃષ્ટિએ નીરખતા હતા ! કેવી હતી હિન્દુઓની ઈમેજ ?

ઇતિહાસનાં પૃષ્ઠો ઉથલાવશો તો, ઠેર ઠેર હિન્દુઓની સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, વચન-પ્રતિબદ્ધતા માટે જગતની અનેક પ્રજાઓના અહોભાવ અને આદર પથરાઈને પડ્યા છે. ઓછાંમાં ઓછાં બે-અઢી હજાર વર્ષોના રેકોડ્‌ર્સ તેની ગવાહી પૂરે છે. ઈ. સ. પૂર્વે 404માં ગ્રીક ફિઝીશ્યન ક્‌ટેસિયસ ઇતિહાસમાં નોંધાયેલો સૌથી પહેલો વિદેશી લેખક છે,

જેણે હિન્દુઓ વિશે દસ્તાવેજી વિગતો લખી હોય.

 

કેવા પ્રામાણિક - નીતિવાન હતા તે સમયના હિન્દુઓ ?

જગતના ઇતિહાસનાં પૃષ્ઠોમાં હિંદુઓની નૈતિકતાના ભારોભાર ગુણાનુવાદ ગવાયા છે.

ઈ. સ. પૂર્વે 404માં ગ્રીક ફિઝીશ્યન ક્‌ટેસિયસ ઇતિહાસમાં નોંધાયેલો સૌથી પહેલો વિદેશી લેખક છે, જેણે હિન્દુઓ વિશે દસ્તાવેજી વિગતો લખી હોય. તેણે પર્શિયન કોર્ટમાં હિન્દુઓના ગુણગાન સાંભળ્યા હતા. ’On the justice of the Indians‘ પર એક પ્રકરણ લખીને હિન્દુઓના ચારિત્ર્યની ભરપૂર પ્રશંસા કરનાર વિદેશીઓમાં તે પ્રથમ હતો. ('India _ what can it teach us', by F. Max Muller, Penguin Books, New Delhi, London, p. 51)

ઈ.સ. પૂર્વે 326માં પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ભારત આવેલ ગ્રીક એલચી મેગસ્થનીસે ભારતમાં ક્યાંય ચોરી ન દીઠી, સત્ય તેમજ સદ્‌ગુણો પ્રત્યે હિન્દુઓનો પ્રખર પ્રેમ જોયો, તેનાથી તે ભારે પ્રભાવિત થઈ ગયો હતો.

ઈ.સ. પૂર્વે 326માં પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ભારત આવેલ ગ્રીક એલચી મેગસ્થનીસે ભારતમાં ક્યાંય ચોરી ન દીઠી, સત્ય તેમજ સદ્‌ગુણો પ્રત્યે હિન્દુઓનો પ્રખર પ્રેમ જોયો, તેનાથી તે ભારે પ્રભાવિત થઈ ગયો હતો. તે લખે છે : In Palibhotra thefts were extremely rare and that they honoured truth and virtue. (Indian Antiquary, 1876, p. 333) મેગસ્થનીસ હોય કે બે હજાર વર્ષ પહેલાં ભારત આવેલ ગ્રીક વિદ્વાન એપોલોનિયસ હોય, સૌ કોઈએ હિન્દુ પ્રજાને સંસ્કારોની અમીર પ્રજા તરીકે વર્ણવી છે. એપોલોનિયસે (ઈ.સ. પૂર્વે 2થી સને 90) તો હિન્દુઓના ચારિત્ર્યથી પ્રભાવિત થઈને હિન્દુઓની તુલના દેવતાઓ સાથે કરી હતી.

પહેલી સદીના ભારતયાત્રી ગ્રીક વિદ્વાન સ્ટ્રેબો(ઈ.સ. પૂર્વે 64થી સને 24) ‘Geography’માં હિન્દુઓ માટે લખે છે : ‘They are so honest that neither require locks to their doors nor writings to bind their agreements.’ (Strabo, Lib.xv, p. 488, 1587), અર્થાત્‌ હિન્દુઓ એટલા પ્રામાણિક છે કે અહીં લોકોને ઘરના બારણાંને તાળાં મારવાની જરૂર પડતી નથી. એકબીજા સાથેના વ્યવહારોમાં ક્યારેય લેખિત કરારો કરવા પડતા નથી ! બોલેલા બોલનું અહીં કેટલું મહત્ત્વ હતું ! પરસ્પર વિશ્વાસનું ધોરણ કેટલું ઊંચું હતું !

અને, આજથી 1600 વર્ષ પહેલાં ભારત આવેલા ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સંગના આ જાત-અનુભવના શબ્દો વાંચો : ‘હિન્દુઓ તેમના ચારિત્ર્યની પ્રામાણિકતા અને તેમની સરળતાને કારણે એકદમ જુદા તરી આવે છે. અન્યાય કે અણહક્કનું ધન તેઓ ક્યારેય પણ લે નહીં અને ન્યાયની બાબતે તો તેઓ અત્યંત સંવેદનશીલ છે.’

13મી સદીમાં સમુદ્ર-મુસાફરી કરીને ભારત પહોંચેલા યુરોપિયન પ્રવાસી માર્કો પોલોએ ભારતીય હિન્દુ વેપારીઓની પ્રામાણિકતાના બે મુખે વખાણ કર્યાં છે. તે લખે છે : ‘આ બ્રાહ્મણો-હિન્દુઓ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ વેપારીઓ છે. અત્યંત સત્યનિષ્ઠ ! પૃથ્વીની કોઈ પણ વસ્તુ માટે તેઓ ક્યારેય અસત્ય નહીં બોલે !’ (Marco Polo, ed. H. Yule. vol.2. p.350)

 

હિંદુઓના નૈતિક પ્રભાવને દસ્તાવેજી આધાર પર કેટલાક અંકોથી સમજવાનો પ્રસાસ કરી રહ્યાં છીએ.

ભારતમાં પોર્ચુગીઝોનું શાસન ક્રૂરતા અને અમાનવીયતા માટે કુખ્યાત છે. આમ છતાં, એવા અમાનુષી શાસન વચ્ચે પણ હિન્દુઓની વચન-પ્રતિબદ્ધતા કેવી હતી ? પોર્ચુગીઝ લેખકોએ તેને ઝૂકી ઝૂકીને સલામ કરતાં લખ્યું છે : ‘હિન્દુઓ પોતાના વચનના પાલનમાં અસામાન્ય હતા. આશ્ચર્યની વાત તો તે હતી કે જ્યારે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા હિન્દુઓને છ મહિના માટે મુક્ત કરવામાં આવતા ત્યારે તેઓ (પોતે આપેલા વચન મુજબ) બરાબર છ મહિને તેમની જાતે જ જેલમાં આવી જતા હતા !’

ગ્રીક, હૂણ, કુષાણ, મોગલ, પોર્ચુગીઝ, ફ્રેન્ચ, ડચ - આ વિદેશી પ્રજાઓની જેમ બ્રિટિશ પ્રજાએ પણ અહીં પગ મૂક્યો અને હિન્દુઓને ગુલામ બનાવ્યા, પરંતુ એ ગુલામ હિંદુઓના નૈતિક પ્રભાવે બ્રિટિશરોને કેવા કેદ કર્યા હતા! એક સમય એવો હતો કે બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દુઓની નૈતિકતા-પ્રામાણિકતા-સચ્ચાઈ માટે બ્રિટિશ અધિકારીઓ ઘાંટો પાડીને, છાતી ઠોકીને પડકારો ઝીલતા હતા. માર્ચ, સને 1813ની પાર્લામેન્ટરી ડિબેટ્‌સ તેનું એક ઉદાહરણ છે.

સન 1813માં ઇંગ્લૅન્ડની પાર્લામેન્ટમાં ‘હાઉસ ઑફ કોમન્સ’ અને ‘હાઉસ ઑફ લૉડ્‌ર્સ’નાં સત્રોમાં હિન્દુઓની પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, સૌજન્યશીલતા અને ચારિત્ર્યની ચર્ચા કરતાં બ્રિટિશ અફસરો સોગંદપૂર્વક ગૌરવ અનુભવતા હતા ! બ્રિટિશ અધિકારીઓ વોરન હેસ્ટિંગ્સ, એલ્ફિન્સ્ટન, જ્હૉન માલ્કમ, ગ્રેમ મર્કર, કૅપ્ટન થોમસ સીડનહામ, કર્નલ થોમસ મુનરો, વિલ્બરફોર્સ વગેરે બ્રિટિશ ભારતના કેટકેટલા સુપ્રતિષ્ઠિત અધિકારીઓ તેમાં શામેલ હતા ! એ પાર્લામેન્ટરી ડિબેટ્‌સનાં પાનાંઓ હિન્દુ-પ્રામાણિકતાના ગુણગાનોનાં દસ્તાવેજી પ્રમાણો બની રહ્યાં છે. (Hansard's Parliamentary Debates, Vol. XXV, Pp. 553-554, 568-569, 660, 782, 786, 907)

હિન્દુઓ ‘અપ્રામાણિક છે’, ‘અનૈતિક છે’ – એવા એક બ્રિટીશ લેખકના એક વિધાન સામે, પાર્લામેન્ટના ‘હાઉસ ઑફ લૉડ્‌ર્સ’માં ભારતના સર્વપ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ લૉર્ડ વોરન હેસ્ટિંગ્સે ઉચ્ચારેલા આ શબ્દો વાંચો : ‘હું સોગંદપૂર્વક સત્ય કહું છું કે હિન્દુઓની અનૈતિકતા-અપ્રામાણિકતા માટે કહેવાયેલાં વિધાનો તદ્દન ખોટાં અને બિલકુલ બિનપાયેદાર છે. મારે હવે જે કહેવું છે તે જોકે મારી અંગત માન્યતા છે, પરંતુ એ માન્યતા પાછળ એ લોકો સાથેના લાંબા અને વધુ આત્મીય પરિચયનો આધાર છે. હિન્દુઓ ખૂબ જ સૌજન્યશીલ, હંમેશાં બીજાનું હિત ઇચ્છનારા, ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવામાં ખૂબ જ સંવેદનશીલ, ખોટા પ્રહારોનો શીઘ્ર પ્રત્યુત્તર આપવામાં તત્પર, જગતના લોકોમાં સ્વાભાવિક દેખાતી માનવસહજ વિકૃતિઓથી તદ્દન મુક્ત, વફાદાર, નોકરી-સેવામાં મમતાળુ તેમજ આજ્ઞાંકિત લોકો છે.’(ibid. Pp. 553-554)અને હિન્દુઓની નીતિમત્તાના આશિક અંગ્રેજ અફસરે વોરન હેસ્ટિંગ્સે સ્ટેટમેન્ટ આપ્યું હતું, ‘...in truth I love India a little more than my own country.’(White Mughals, 2002, London, p. 41)

જેમાંથી પવિત્ર પ્રેરણાઓ મળે તેવી ભૂતકાળની વાતો એ જ ઇતિહાસ. બધો જ ભૂતકાળ પ્રેરણા આપનારો નથી હોતો. એટલે ત્યાં નિર-ક્ષીર વિવેકની જરૂર પડે છે. ભૂતકાળની બધી જ વિગતોને બદલે, પ્રેરણા આપે એવી કઈ વિગતો છે ? તેનું ચયન કરીને વિવેક પુરઃસર આપણે ઇતિહાસમાંથી આપણા પૂર્વજોની નૈતિકતાના પ્રભાવ વિશે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

હિન્દુઓના નૈતિક પ્રભાવને પુનઃ જાગૃત કરી શકાય તેમ છે, ઇતિહાસનાં પૃષ્ઠોને ઉકેલવાથી ઘણા વિકટ પ્રશ્નોમાંથી રસ્તો કાઢી શકાય તેમ છે. કેવો હતો હિન્દુઓની નૈતિકતાનો પ્રભાવ ? પૂર્વે આપણે જોયું છે, એ જ શૃંખલામાં વધુ આગળ સમજીએ.

ગ્રીક ઇતિહાસકારોના સમયથી લઈને શક, કુષાણ, હૂણ, ચીની પ્રજા, મોગલો, બ્રિટિશરો વગેરે જુદા જુદા પ્રાંતના વિદ્વાન વિદેશીઓએ હિન્દુઓની નૈતિકતા વિશે જુદા જુદા સમયે ખૂબ ગૌરવભેર લખ્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના ‘બોડન ચૅર ઓફ સંસ્કૃત’ના અધ્યક્ષ પ્રો. મોનિયર વિલિયમ્સ ‘India and the Indians‘ પુસ્તકમાં હિન્દુઓની ભારોભાર ગુણગાથા ગાય છે. તેઓ લખે છે : ‘હિન્દુઓ કરતાં વધુ ધર્મશીલ અને પોતાની ફરજ બજાવવામાં વધુ નિષ્ઠાવાન ધીરજવાળા પ્રામાણિક અને ખંતીલા લોકો મને યુરોપમાં ક્યાંય જોવા મળ્યા નથી...’(Modern India and the Indians, pp. 88, 128).

આપણું કર્તવ્ય

‘તમે તાત્કાલિક જતા રહો ! સરકારના કરોડો રૂપિયા હું કોઈ સંજોગોમાં બગડવા નહીં દઉં અને તમે મને કોઈ પણ રીતે ખરીદી નહીં શકો. 'આમ ગર્જના કરનારા એ સરકારી અધિકારીની વાત ગતાંકમાં ચાલી રહી હતી. લાખો રૂપિયાની લાંચ આપીને સરકારના કરોડો રૂપિયા અંકે કરી લેવાનો કારસો ઘડનારા લોકોને એ સરકારી અધિકારીએ આમ પડકાર્યા હતા.
પરંતુ વાત ત્યાં પૂરી થઈ નહીં. થોડાંક મહિનાઓ પછી તેમને જાણવા મળ્યું કે, તેમણે જેમને હાંકી કાઢ્યા હતા એ લોકોએ એક બીજા જિલ્લામાં પોતાનો હેતુ સિદ્ધ કરી લીધો છે. જો એક જિલ્લામાં આમ થયું હોય તો સંભવ છે કે અન્ય જિલ્લાઓમાં પણ આમ થયું હશે. એમણે તપાસ કરાવી તો ખરેખર તેમ જ બન્યું હતું.
એ સરકારી અધિકારી ખિન્ન થઈ ગયા.એ જ રાત્રે બે વાગ્યા સુધી કોમ્પ્યૂટર પર બેસીને ગણતરી કરી, કુલ ખર્ચ કેટલો થાય ? ઓછામાં ઓછા 150 કરોડ! તે રાત્રે તેમની ઊંઘ ઊડી ગઈ. બીજા દિવસે તેઓ ગાંધીનગર પહોંચ્યા. સરકારમાં એવા ઘણા પ્રામાણિક વફાદાર અધિકારીઓ છે. એવા એક ઉચ્ચ અધિકારી સમક્ષ તેમણેપોતાની મૂંઝવણ કહી અને કહ્યું, ‘પ્રજાના કરોડો રૂપિયાનો આ ધુમાડો શું યોગ્ય છે?’
અને બીજા જ દિવસે એ નિષ્ઠાવાન ઉપરી અધિકારીની સહી સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓર્ડર ફરી વળ્યો : ‘જે જિલ્લામાં આવી કાર્યવાહી થશે તેનો ખર્ચ જે તે અધિકારીઓના પગારમાંથી વસૂલ કરવામાં આવશે.’
જો કે એના કારણે શરૂઆતમાં પેલા સરકારી અધિકારીને અળખામણા થવાનો વારો આવ્યો, પરંતુ અંતે સત્યનો જ વિજય થાય છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને ઉપરોક્ત પ્રસંગની જાણ થઈ ત્યારે એમના અપાર આશીર્વાદ વરસી ગયા. એમણે કહ્યું હતું : ‘તમે પ્રામાણિકતા અને નીતિથી કાર્ય કરો છો તેથી ભગવાન તમારી રક્ષા કરશે અને ભગવાન ગમે ત્યાંથી તમારું કામ પૂરું કરશે... શ્રદ્ધા, હિંમત અને ધીરજ રાખજો...’
એ અધિકારી માટે પ્રમુખસ્વામીજીની પ્રસન્નતા એ જ સૌથી મોટી મૂડી બની રહી છે.
છેલ્લાં અઠવાડિયાંઓથી અઢી હજાર વર્ષના ઇતિહાસની આરસી પર ચમકતા ભારતીય નૈતિકતાનાં અજવાળાંને સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા હતા. આપણે જોયું કે અઢી હજાર વર્ષના ઈતિહાસમાં ગ્રીક, રોમન, આરબ, ચીના, પોર્ટુગીઝ, ફ્રેંચ, અંગ્રેજ વગેરેએ ભારતીયોની નૈતિકતાને વિશ્વમાં અજોડ ગણાવી છે, જેનાં પ્રેરક ઉદાહરણો આજેય આપણી વચ્ચે જીવે છે. પરંતુ નૈતિકતાના એ પવિત્ર વારસાને આપણી નવી પેઢીમાં ઊતારવાનું કર્તવ્ય ચૂકી જઈશું તો હજારો વર્ષો પૂર્વેના આપણાં પૂર્વજો આપણને ક્યારેય માફ નહીં કરી શકે.
એ નૈતિકતાનાં અજવાળાં આવનારી અનેક પેઢીઓ સુધી વહાવવાની શક્તિ ભગવાન આપણને સૌને આપે એ જ અભ્યર્થના.

 
 
 

 

 

Comments

You must be logged in to post a comment.